સૌરાષ્ટ્ર

ધોરાજીમાં બદલાતા હવામાનથી વાયરલ ઇન્ફેક્શનનો પ્રકોપ: સિવિલ હોસ્પિટલમાં દૈનિક ૧૦૦૦થી વધુ દર્દીઓનો ઘસારો

જુલાઈ મહિનામાં ૩૦ હજારથી વધુ ઓપીડી નોંધાઈ; ધોરાજી અને આસપાસના ૨૯ ગામના લોકો લઈ રહ્યા છે અત્યાધુનિક સારવાર.

રાજકોટ/ધોરાજી:
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે. શરદી, ઉધરસ, તાવ, પેટમાં દુખાવો અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ હોસ્પિટલની કેસ બારીઓ પર દર્દીઓનો ભારે ઘસારો જોવા મળે છે. માત્ર ધોરાજી શહેર જ નહીં, પરંતુ આસપાસના આશરે ૨૯ જેટલા ગામડાઓમાંથી પણ લોકો સારવાર અર્થે અહીં ઉમટી રહ્યા છે.

દૈનિક ૧૦૦૦થી વધુ દર્દીઓની નોંધાય છે OPD
ધોરાજી સિવિલ હોસ્પિટલ (સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ) દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે તમામ સુવિધાઓથી સજ્જ છે. હોસ્પિટલના અધિક્ષક ડૉ. જયેશભાઈ વસેટિયને માહિતી આપતા જણાવ્યું હતું કે, “જુલાઈ મહિનામાં હોસ્પિટલની ઓપીડી (OPD) ૩૦,૨૪૮ નોંધાઈ છે, એટલે કે સરેરાશ દૈનિક ૧,૦૦૦ કરતા વધુ દર્દીઓ સારવાર લેવા આવે છે. અમારી પાસે તમામ દવાઓ, અત્યાધુનિક લેબોરેટરી અને ૯૦% નિષ્ણાત કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ છે. હાલમાં શરદી, ખાંસી, અને ડાયેરિયા-વોમિટિંગના કેસો વધુ છે, પરંતુ ડેન્ગ્યુના કોઈ કેસ નોંધાયા નથી. આ તમામ ઇન્ફેક્શન મિક્સ અને સિઝનલ છે.”
હોસ્પિટલમાં ગાયનેક, આંખ, સ્કીન, ડેન્ટલ, ઓર્થોપેડિક, જનરલ સર્જન અને ફિઝિશિયન સહિતના નિષ્ણાત ડોક્ટરોની ટીમ સતત ખડેપગે સેવા આપી રહી છે.

લેબોરેટરીમાં વિનામૂલ્યે તમામ ટેસ્ટની સુવિધા
દર્દીઓની માત્ર ઓપીડી જ નહીં, પરંતુ લેબોરેટરીમાં લોહીની તપાસ માટે પણ ભીડ જોવા મળે છે. પેથોલોજિસ્ટ ડૉ. કમલેશ ધરજીયાના જણાવ્યા મુજબ, મોટાભાગે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કેસો આવી રહ્યા છે. લેબોરેટરીમાં સીબીસી, હિમેટોપેથોલોજી, ઇમ્યુનોલોજી અને બાયોકેમેસ્ટ્રી સહિતના અનેક ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે. જે રિપોર્ટની સુવિધા હોસ્પિટલમાં ન હોય, તેને આઉટસોર્સિંગ દ્વારા બહાર મોકલીને પણ દર્દીઓ માટે નિઃશુલ્ક કરાવી આપવામાં આવે છે.

દર્દીઓએ તંત્રની કામગીરી બિરદાવી
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી ખીમજીભાઈ ગોવાભાઈએ હોસ્પિટલની સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મને કમળાની અસર થઈ ગઈ હતી અને પેટમાં દુખાવો થતો હતો. મેં અહીં સોનોગ્રાફી પણ કરાવી છે. ડોક્ટરો તરફથી મને એકદમ ફર્સ્ટ ક્લાસ સેવા મળી રહી છે.”

તબીબોની જાહેર જનતાને ખાસ અપીલ:
બદલાતી ઋતુમાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવાની જરૂર છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ અપીલ કરી છે કે:
પીવા માટે હંમેશા ઉકાળેલું અથવા ક્લોરિનેટેડ પાણીનો જ ઉપયોગ કરવો.

બહારનો ખુલ્લો ખોરાક ટાળવો.
મચ્છરજન્ય રોગોથી બચવા રાત્રે મચ્છરદાનીનો ફરજિયાત ઉપયોગ કરવો.
કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ જણાય તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.
ધોરાજી સિવિલ હોસ્પિટલ ૨૪ કલાક અને ૭ દિવસ ઇમરજન્સી સેવાઓ સાથે નાગરિકોની સેવામાં કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *